અમદાવાદ : એસોચેમ અને શારજાહ સરકાર, યુએઇના સહયોગથી અમદાવાદમાં આઇટીસી નર્મદા ખાતે શ્રેણીબદ્ધ બી2બી મીટીંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોન (સૈફ ઝોન), શારજાહ સરકાર, યુએઇના વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. આ કાર્યક્રમને જીઇએસઆઇએ આઇટી એસોસિયેશન, ગુજરાત સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન, જ્વેલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા – અમદાવાદનો સહયોગ કર્યો હતો.
વેપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને ભારતીય વ્યવસાયોને સીઇપીએના લાભો લેવા માટે માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત કાર્યક્રમમાં ટેક્સટાઇલ, આઇટી અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોની 100થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં મધ્ય-પૂર્વ, આફ્રિકા, યુરોપ વગેરે સહિતના માર્કેટની એક્સેસ માટે યુએઇને ગેટવે તરીકે લાભ લેવા વિશે પણ ચર્ચા કરાઇ હતી.
સૈફ ઝોનના અલી અલ મુતાવાએ યુએઇમાં કામગીરી સ્થાપિત કરવા ભારતીય કંપનીઓ માટે ઉપલબ્ધ સરળતા વિશે વાત કરતી હતી. તેમણે કહ્યું હતું કે, સૈફ ઝોન ભારતીય વ્યવસાયોને ઝીરો-ટેક્સ અને કંપનીઓના ઝડપી રજિસ્ટ્રેશન સહિતના બેજોડ પ્રોત્સાહનો આપે છે. સીઇપીએએ રિ-એક્સપોર્ટ હબ તરીકે યુએઇની ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે, જે ભારતીય નિકાસકારો માટે આદર્શ લોંચપેડ છે.
આ કાર્યક્રમમાં ગુજરાતની કંપનીઓને યુએઇમાં ભાગીદારીની સંભાવનાઓ તપાસવા તથા વૈશ્વિક ઉપસ્થિતિ વિસ્તારવાની વ્યૂહરચના સંબંધિત મૂલ્યવાન જાણકારી મળી હતી.