અમદાવાદ : ચાંદ દેખાયા બાદ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્ર નિમિતે ઇદની ખાસ નમાઝ પઢવામાં આવી હતી. ઇદની નમાઝ પઢયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઇદમુબારક કહી તહેવારની શુભેચ્છા પાઠવી હતી. મસ્જિદોમાં ઇદના તહેવારને લઇ સમાજમાં શાંતિ, સદ્ભાવ અને પરસ્પર ભાઇચારાની ભાવના વધુ મજબૂત બને અને સૌના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિની વૃધ્ધિ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ રાજયના મુસ્લિમ સમાજને ઇદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી. રમઝાન મહિનો પૂરો થયા બાદ ઇદની ઉજવણી કરવામાં આવતી હોય છે.
ગઇકાલે ચાંદ દેખાયા બાદ ઇદની ઉજવણી અંગેની જાહેરાત કરાઇ હતી. જેના અનુસંધાનમાં મુસ્લિમ બિરાદરોમાં ગઇકાલ રાતથી જ ભારે ઉત્સાહનો માહોલ જાવા મળતો હતો અને બજારોમાં ભારે ભીડ જાવા મળતી હતી. આજે વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદર ભાઇઓ-બહેનો અને બાળકો તૈયાર થઇ એકબીજાને ઇદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. તો, શીર ખુરમા ખવડાવી એકબીજાને સંબંધોની મીઠાશ જીવનમાં બરકરાર રાખવાની અનોખી રીતરસમ પણ અદા કરી હતી. બીજીબાજુ, શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.
તો, શહેરની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઇદની નમાઝ પઢી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે શુક્રવારે દેશભરના મુખ્યબજારોમાં રોનક અને ખરીદી કરનારાઓની ચહલપહલ જોવા મળી હતી. રૂજે ઉત્સાહ અને ઉમંગ સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-ઉલ-ફિત્રને માત્ર ઈદ કે મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. નાના માસુમ બાળકો દ્વારા પણ ખાસ દિવસ પસંદ કરીને રોજા રાખવામાં આવે છે. અમદાવાદમાં સવારમાં જ ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. એકબીજાને ગળે મળીને મુસ્લિમ સમુદાયના લોકો એકબીજાને શુભેચ્છા આપતા નજરે પડ્યા હતા. લોકો ભારે ઉત્સાહિત દેખાયા હતા. ગઇકાલ રાતથી જ ઉજવણીનો દોર શરૂ થઇ ગયો હતો.