નવી દિલ્હી : આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ચક્રવાતી તિતલી તોફાનના કારણે ભારે અસર થઇ છે. બનંને રાજ્યોના અનેક ભાગોમાં હાલમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરી માટે ટુકડીઓ પહેલાથી જ તૈયાર રાખવામાં આવી હતી. આના કારણે સ્થિતી વધારે વણસી નથી. આંધ્રપ્રદેશમાં બે લોકોના મોત થઇ ગયા છે. જ્યારે ઓરિસ્સામાં ૧૮ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. ઓરિસ્સાના ગોપાલપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગોપાલપુરમાં તિતલી વિનાશકારી રૂપમાં દેખાતા તંત્ર દ્વારા વધુ અસરકારક પગલા લેવામાં આવ્યા હતા.
ઓરિસ્સામાં ૧૦૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખેસડી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમમાં ભારે વરસાદ થયો છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. બંગાળના અખાત પર સર્જાયેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાને હવે વિનાશકારી સ્વરુપ ધારણ કરી લીધું છે જેના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. તોફાની પવન ફુંકાઇ રહ્યા છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઓરિસ્સામાં સ્કુલ કોલેજા બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર બિલકુલ સાવધાન થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ ચક્રવાતના કારણે ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યુ છે.
ચક્રવાતના ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સરકાર સાવચેતીના પગલા ગઇકાલે જ લેવામાં આવી ચુક્યા હતા. નિચલા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ સક્રિય કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા સરકારે રાજ્યની તમામ સ્કુલ કોલેજા અને આંગણવાડી કેન્દ્રોને ૧૧મી અને ૧૨મી ઓક્ટોબરે બંધ રાખવાના આદેશ કર્યા છે. વિદ્યાર્થી ચૂંટણી રદ કરવામાં આવી છે. બીજી બાજુ ભરતી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં એકાએક પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. એનડીઆરએફની ૧૪ ટીમો ઓરિસ્સામાં તૈયાર કરવામાં આવી છે. ૮૩૬ રાહત કેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં ટ્રેન સેવા ખોરવાઈ જવાની દહેશત છે.