કોરોના વાયરસઃ ‘જનતા કર્ફ્યુ’ના રોજ શું કરશો?
તેનો જવાબ છે ચાલ જીવી લઈએ…
અંતે ભારત પણ આવી ગયું કોરોનાના ભરડામાં, વિશ્વ આખું એક ડરના માહોલમાં જીવી રહ્યું છે, આપણાં વડાપ્રધાન નરેન્દભાઇ મોદીએએ પણ લોકોને જાગૃત કરતાં સ્વયંભૂ કર્ફ્યુ એટલે કે જનતા કર્ફ્યુ માટે આહવાન કર્યું છે. જે ખૂબ જ આવકાર્ય બાબત છે, દેશના નેતા એક વડીલની જેમ સમજાવે અને આપણે તેનું અક્ષર સહ: પાલન કરીએ એ આપણી પણ ફરજ છે.
ખોટી અફવાઓ અને નેગેટિવ વિચારોવાળા લોકોને મળવા કરતાં કોરોના વાયરસને પગલે ફરજિયાત પણે ઘરમાં રહેવાની જે ફરજ પડી છે તેમાં વધારે સલામતી છે. હવે સવાલ એ છે કે ઘરે રહીને કરીશું શું? અને જવાબ છે કે… .
ઘરમાં રહીને પુસ્તકો વાંચીશું, બાળકો સાથે સમય પસાર કરી વિતેલા દિવસોની ખોટને પુરી કરીશું. આંગળીના ટેરવાંથી સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહીશું, ઘરના સભ્યો સાથે મન ભરીને વાતો કરીશું, ઘરની ઓસરીમાં લાગેલા ગુલાબના છોડ સાથે વાતો કરીશું, થોડીક ઘરમાં નાની મોટી સફાઈ કરીશું, કદાચ નવી રસોઈની રીત શીખીશું, કોરોના વાયરસના ભયને દૂર હડસેલતા ઘરના સભ્યો સાથે રમૂજ ભરી વાતો કરીશુ… ઘરમાં રમી શકાય તેવી રમત પત્તા, કેરમ, લૂડો, સાપ સીડી જેવી દેશી રમતોને ફરીથી સક્રિય કરીશું, વેપારી મિત્રો છીએ તો નવા હિસાબી વર્ષની તૈયારી કરીશું, સિઝન માટે ભરવાના મસાલા, અનાજ અને બાકી ચીજોનું લિસ્ટ બનાવીશું, પરિવારના સભ્યોના કામમાં મદદ કરીશું. આપણાં છોકરા છોકરીઓની વાતો સાંભળીશુ, એમના મિત્રો સાથે થાતી ગોસિપની ચર્ચા કરીશું, એમને સકારાત્મક વાતોથી પ્રેરિત કરીશું.
ઓહ, આ યાદી તો ખૂબ લાંબી થઈ ગઈ, હજી પણ ઘણું બધુ થઈ શકે છે ઘરે બેસીને ખરુને !!, મિટિંગ, પ્રોજેકટ, ફ્યુચર, ટાર્ગેટ અને સ્ટેબિલિટીની દોડમાં પણ આપણે ઘરે રહેતા નથી ને !!! એટલે … એટલે કુદરતે થપાટ મારીને સમજાવ્યું કે ભાઈ આ બધા સિવાય પણ જીવન છે, મંગળ ગ્રહ પર જીવન છે કે કેમ ની શોધમાં પૃથ્વી પરનું જીવન જીવવાનું રહી જાય એમ કેમ ચાલે ?!!?
ઘણું બધુ જીવવાનું બાકી રહી ગયું છે, તે જીવવા માટેનો સમય મળ્યો છે, મહામારીના ભરડામાંથી બચી જવા અને નકારાત્મક સમયમાંથી આબાદ રીતે બહાર આવવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. તો પછી ઘરે બેઠા બેઠા ચાલ જીવી લઈએ …
લેખકઃ
નિરવ શાહ ‘નીર’